Monday, May 14, 2012

મ્યુનિ. દ્વારા સવા કરોડના ખર્ચે ૭ શૈક્ષણિક મોબાઈલવાન બનાવાશે

આધુનિક મોબાઈલ વાનમાં ૨૨ જેટલા બાળકોને બેસવાની વ્યવસ્થા બનાવાશે.

અમદાવાદ મ્યુનિ. કોર્પો.ને રાજય સરકારે શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવેલા બજેટમાંથી સ્લમ વિસ્તારમાં સામાજિક સેવાઓ પૈકી શૈક્ષણિક સેવા શરૂ કરવા માટે ઝૂંપડપટ્ટીના જે બાળકો શાળાએ જતા જ નથી તેમને ભણાવવા માટે મ્યુનિ. દ્વારા મોબાઈલ શિક્ષણવાન તૈયાર કરાવવાના ઠરાવને મંજૂરી મળતા કુલ સાત વાન તમામ સુવિધા સભર રૂ. ૧.૨૫ કરોડમાં તૈયાર કરવાનો ઓર્ડર દત્ત મોટર બોડી બિલ્ડર્સને આપવામાં આવશે.

સ્ટેન્ડિંગ કમિટિના ચેરમેનના જણાવ્યા અનુસાર સર્વે કરાયા બાદ ઝૂંપડપટ્ટીના સાત વિભાગ નક્કી કરવામાં આવ્યા છે.

આ સાત વિસ્તારોની ઝૂંપડપટ્ટીના બાળકો કે જે ક્યારેય શાળાએ જતા નથી તેમનામાં શિક્ષણ પ્રત્યે રુચિ કેળવવા અંગે શિક્ષણ પૂરં પાડવાના હેતુથી રાજય સરકારે શહેરી વિકાસ યોજના અંતર્ગત ફાળવેલા બજેટમાંથી સાત શૈક્ષણિક વાન તૈયાર કરવામાં આવશે.

આ વાનમાં એલસીડી કોમ્પ્યૂટર, ડીવીડી, જનરેટર સેટ, શિક્ષક માટે ટેબલ ખુરશી અને ૨૨ જેટલા બાળકોને બેસવાની વ્યવસ્થા ધરાવતી વાન તૈયાર કરવામાં આવશે. એક વાન રૂ. ૧૭.૯૦ લાખમાં તૈયાર થશે તેવું
જણાવવામાં આવ્યું હતું.

વધુમાં જણાવતા ચેરમેને કહ્યું કે ઝૂંપડપટ્ટીનો સર્વે કરાયા અનુસાર એક મોબાઈલ વાન નોબલનગર રેલ્વે ફાટક પાસે, ભૂતિયા બંગલો, શિવમંદિર સામેની વસાહતના બાળકોને ભણાવશે. બીજી વાન રામાપીરનો ટેકરો, ચંદ્રભાગાના ખાડામાં વાડજ ખાતે, ત્રીજીવાન વટવા કેનાલ પાસે, સૈયદવાડી, બોમ્બે હોટલ પાછળ, ચોથી વાન, વટવા બિ્રજ પાસે, ગોરનો કૂવો, નારોલ જૂની હાઈકોર્ટ પાસે, શાહવાડી પાછળનો સ્લમ વિસ્તાર અને શિંગરવા હાઉસિંગ વસાહત ખાતે, પાંચમીવાન લીલાનગર ઓઢવ ખાતે, છઠ્ઠીવાન રંગોળીનગર ઇસનપુર ખાતે જયારે સાતમીવાન ગણેશનગર પીપળજ ખાતે ઝૂંપડપટ્ટીના બાળકોને ભણાવશે. શૈક્ષણિક મોબાઈલવાનમાં વાનદીઠ બે શિક્ષકો ફાળવવામાં આવશે એટલે કે સાત વાન માટે કુલ ૧૪ શિક્ષકોની ફાળવણી મ્યુનિ. શિક્ષણ બોર્ડ દ્વારા કરવામાં આવશે. શૈક્ષણિક મોબાઈલવાન ડબલ શિફટમાં કામ કરશે તેવું જણાવતા કહ્યું કે પ્રથમ શિફટ સવારે ૭ થી ૧૨.૩૦ જયારે બીજી શિફટ ૧૨.૪૫ થી ૫ વાગ્યા સુધીની રહેશે. તમામ શૈક્ષણિકવાન જ્ઞાન સાથે ગમ્મત પીરસી જે બાળકો ક્યારેય શાળાએ જતા જ નથી તેમની રુચિ કેળવાય અને ઝૂંપડપટ્ટીમાં અકાળે મૂરઝાતા બાળકોને જ્ઞાનસભર કેળવાશે. તમામ મોબાઈલવાન અત્યાંધૂનિક સાધનો સભર બનાવવામાં આવી છે.

No comments:

Post a Comment