Friday, April 1, 2011

ગુજરાતમાં એક દિકરી ધરાવતા દંપતીને નેનો કાર ભેટમાં મળશે

ગુજરાત સરકારનો સરાહનીય નિર્ણય

માત્ર એક દિકરો ધરાવતા હિન્દુ દંપતીને કૈલાસ માનસરોવર અને મુસ્લિમ દંપતીને હજયાત્રાની આફર.

દેશની જનસંખ્યાના ગઇકાલે પ્રસિદ્ધ થયેલા આંકડા મુજબ ગુજરાતની વસ્તી છ કરોડથી પણ વધી ગઇ હોવાથી ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ વસ્તી વિસ્ફોટને નિયંત્રિત કરવા દેશભરમાં સહુપ્રથમવાર ગુજરાતમાં એક અદ્ભુત અને ભારે આવકારદાયક યોજનાની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતમાં માત્ર એક જ
દિકરી ધરાવનાર પતિ-પત્ની બંને પરિવાર નિયોજનનું ઓપરેશન કરાવવા તૈયાર થાય તો આવા તમામ દંપતીઓને ગુજરાત સરકાર તરફથી પ્રોત્સાહનરૂપે નેનો કાર વિનામૂલ્યે આપવામાં આવશે.

આ ઊપરાંત ૫૦ વર્ષથી વધુ વય ધરાવતા મુસ્લિમ દંપતી તેમને એક જ દિકરી અથવા તો દિકરો હોવાના તમામ પુરાવા રજૂ કરશે. તો આવા દંપતીને હજના કવાટામાં પ્રાયોરિટી આપવા ગુજરાત સરકાર કેન્દ્રને ભલામણ કરશે અને હજયાત્રાનો સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર ભોગવશે.

આ જ રીતે જો એક સંતાન ધરાવનાર દંપતી હિન્દુ હશે તો તેમની કૈલાસ માનસરોવર ટૂરમાં પસંદગી થશે તો તેનો પણ સંપૂર્ણ ખર્ચ ગુજરાત સરકાર ઊપાડશે. આવા હિન્દુ અને મુસ્લિમ દંપતી કૈલાસ માનસરોવર તથા હજયાત્રાના વિકલ્પમાં ભારતના તીર્થસ્થળોની પણ પસંદગી કરી શકશે. આ યોજનાનો લાભ લેવા એક સંતાન ધરાવતા હિન્દુ અને મુસ્લિમ દંપતીઓએ જિલ્લા કલેકટરની કચેરી તેમજ શહેરી વિસ્તારમાં મહાનગરપાલિકાઓના મેયરની કચેરીમાં સંપર્ક કરવાનો રહેશે. આ અંગે રાજયભરમાં આજથી ફોર્મનું વિતરણ શરૂ થશે અને ૧૦મી એપ્રિલ સુધી સ્થાનિક સંસ્થાની કચેરીએ અને ત્યારબાદ એપ્રિલના અંત સુધીમાં કલેકટર કચેરીએથી વિનામૂલ્યે ફોર્મ મળી રહેશે.

અત્રે એ ઊલ્લેખનીય છે કે ગઇકાલે રજૂ થયેલા વસ્તી ગણતરીના આંકડા જોઇ દેશના વસ્તી વિસ્ફોટને રોકવા ગુજરાતે અગ્રેસર ભૂમિકા ભજવવી પડશે તેવા ઊમદા વિચાર સાથે મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ગઇરાત્રે જ
રાજયના ઊચ્ચ અધિકારીઓની એક તાબડતોબ બેઠક બોલાવી હતી.

આ બેઠકમાં મુખ્ય સચિવથી માંડીને મોટાભાગના સચિવો ઊપરાંત મહેસૂલમંત્રી આનંદીબેન પટલે, આરોગ્યમંત્રી જયનારાયણ વ્યાસ તથા નાણામંત્રી વજુભાઇ વાળા જેવા વરિષ્ઠ પ્રધાનો પણ હાજર રહ્યા હતા.

આ બેઠકમાં મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ દેશના વસ્તી વિસ્ફોટને નિયંત્રિત કરવા ગુજરાતે જ અગ્રેસર ભૂમિકા અદા કરવી પડશે તેવું સૂચન કર્યું ત્યારે ઊપસ્થિત ઊચ્ચ અધિકારીઓ અને પ્રધાનોએ આ સૂચનને સહર્ષ સ્વીકાર્યું હતું.

મુખ્યમંત્રીએ આ સંદર્ભમાં તાતા સમૂહના વડા રતનતાતા સાથે થયેલી કેટલીક વાતચીતનો ઊલ્લેખ કર્યો હતો. અને રાજયમાં માત્ર એક જ દિકરી ધરાવતા દંપતિને ગુજરાત સરકાર તરફથી નેનો કાર આપવાની જાહેરાત કરી ત્યારે મુખ્યમંત્રીની આ અદ્ભુત યોજનાથી અધિકારીઓએ પણ મોઢામાં આંગળા નાંખવા દીધા હતા. અને મુખ્યમંત્રીના આવા તમામ સૂચનોને આવકારી તેના તત્કાળ અમલ કરવાની વહીવટીતંત્રે ખાતરી પણ આપી હતી. અને આ નિર્ણયના ભાગરૂપે આજથી જ તેનો અમલ શરૂ થઇ ગયો છે.

No comments:

Post a Comment